શ્રાવણ સુદ પૂર્ણિમાના પાવન અવસરે ઝઘડિયા પંથકમાં શુક્રવાર રક્ષાબંધન પર્વની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન એ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ, સ્નેહ, વિશ્વાસ અને પરસ્પર જવાબદારીનું પ્રતિક માનવામાં આવે છે.
આ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ બહેનોએ ભાઈઓને કુમકુમ તિલક કરી, આરતી ઉતારી અને પ્રેમ પૂર્વક રાખડી બાંધી હતી. બહેનોએ ભાઈના સુખ, સમૃદ્ધિ, દીર્ઘાયુ અને સફ્ળતા માટે પ્રાર્થના કરી હતી. ભાઈઓએ પણ બહેનોને ભેટ આપી તેમની રક્ષા અને હંમેશા સાથ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રક્ષાબંધનને લઈને બજારોમાં પણ ભારે ચહલપહલ જોવા મળી હતી. વિવિધ ડિઝાઇનની રંગબેરંગી રાખડીઓ, મીઠાઈઓ અને ભેટોની ખરીદી માટે લોકો ઝઘડિયા નગરમાં ઉમટી પડયા હતા. ખાસ કરીને બાળકો અને યુવાનોમાં પર્વનોખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.
