ભરૂચ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે વડાપ્રધાન તેમજ શિક્ષણ મંત્રીને સંબોધીને શિક્ષકો માટે ટેટની પરીક્ષાને લઈને સુપ્રિમ કોર્ટના ચૂકાદાને લઈ 2010 પહેલાના શિક્ષકોને તેમાંથી કાયદાકિય નીતિગત સંરક્ષણ આપવા માંગ કરી હતી.
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરુવારે મોટી સંખ્યામાં શિક્ષકોને એકત્ર થઈ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલમાં દેશભરના લાખો શિક્ષકોમાં ગંભીર ચિંતા, વ્યથા તેમજ અસુરક્ષાની લાગણી વ્યાપી રહી છે. જેનું મુખ્ય કારણ છે કે, વર્ષ 2010માં શિક્ષકની ભરતી માટે ટેટની પરીક્ષા ફરજિયાત કરાઈ હતી. જોકે, તે બાદથી તમામ શિક્ષકોની ભરતી ટેટની પરીક્ષા થકી જ થઈ રહી છે. હવે સુપ્રિમકોર્ટ દ્વારા 29 મે ના રોજ દરેક શિક્ષકોએ ટેટની પરીક્ષા આપવા માટેના આપેલાં ચુકાદાથી જે સ્થિતી ઉભી થઈ છે તેમાં 2010 પહેલાં નિયુક્ત થયેલાં શિક્ષકોએ પણ પરીક્ષા આપવાની થતી હોવાને કારણે તેમની શિક્ષણ સેવા હિતો, ભવિષ્ય પર માઠી અસર પડી છે. શિક્ષકોની ભરતી 2010 બાદથી ટેટની પરીક્ષા થકી જ કરવામા આવી હોવાને કારણે તેમની નિમણૂંક તે લાયકાત મુજબ જ થઈ છે. અગાઉના શિક્ષકોએ પણ જે તે સમયના નિયમાનુંસાર ભરતી થયાં છે. હવે ટેટની પરીક્ષા આપવાથી અનેક શિક્ષકોના સેવા અધિકારો, વરિષ્ઠતા, બઢતી, તથા અન્ય કાયદેસર લાભોને અસર થઈ શકે છે. જેથી સરકાર દ્વારા સંસદમાં વટહુકમ લાવી લાખો શિક્ષકોનું ભાવિ બચાવવામાં આવે તેવી માંગ કરી હતી.










