રાજ્યમાં સૌ પ્રથમ ભરૂચમાં જગન્નાથ રથયાત્રા નિકળી હોવાની લોકવાયકા છે. ત્યારે 250 વર્ષથી યોજાતી આ રથયાત્રાનું આયોજન ભોઈ સમાજ દ્વારા કરવામાં આવે છે. જ્યારે શહેરની આશ્રાય સોસાયટીમાંથી છેલ્લાં 20 વર્ષથી ઉડિયા સમાજ દ્વારા રથયાત્રા કાઢવામાં આવે છે. જ્યારે ઈસ્કોન દ્વારા ભરૂચના શિતલ સર્કલ પાસેથી રથયાત્રા યોજાવમાં આવે છે
ગુજરાતની પહેલી અને સૌથી પ્રાચિન ગણાતી ભગવાન જગન્નાથની રથયાત્રા ગુરુવારે સાંજે નિકળી હતી. ભરૂચમાં ભોઈ સમાજ દ્વારા 250 વર્ષ ઉપરાંતથી ભગવાન જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદમાં સૌપ્રથમવાર નિકળેલી રથયાત્રામાં પણ 3 રથો ભરૂચના ખલાસીઓએ બનાવી આપ્યાં હતાં. ગુરૂવારે ભરૂચના ફૂરજા બંદરે આવેલાં ભગવાન જગન્નાથ મંદિર મહાઆરતી બાદ શણગારેલાં 3 રથમાં ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલદેવ તેમજ બહેન સુભદ્રાને બિરાજમાન કરાયાં હતાં. ભોઈ સમાજના આગેવાનો, સભ્યો, તેમજ જ્ઞાતિજનો સો શહેર તેમજ જિલ્લાના મહાનુભવો જોડાયાં હતાં. નગરજનોની ભીડ વચ્ચે જગન્નાથ પ્રભુની મહાનુભવો, આગેવાનોએ મહાઆરતી ઉતાર્યા બાદ ત્રણેય રથોને જય જગન્નાથના નાદ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રા સાથે ડીજે, ભજન મંડળીઓ જોડાઈ હતી. રત્રે રથયાત્રા સોનેરી મહેલ ખાતે પહોંચતાં આતશબાજી સાથે સંપન્ન કરાઈ હતી.
ભરૂચ જીઆઈડસી વિસ્તારમાં આવેલાં ઈસ્કોન મંદિર દ્વારા પણ અષાઢી બીજે શિતલ સર્કલથી ભગવાન જગન્નાથની12મી રથયાત્રા ભારે ધામધૂમથી નિકળી હતી. શણગારેલાં ભવ્ય રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તેમજ ભાઈ બલરામ સાથે નગરચર્ચાએ નિકળ્યાં હતાં. ત્યારે હરે રામા હરે કૃષ્ણાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. શિતલ સર્કલથી પ્રસ્થાન થયેલી રથયાત્રા કસક સર્કલ, મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ થઈ ઝાડેશ્વર ગામે આવેલી કેજીએમ સ્કૂલના ગ્રાઉન્ડમાં સંપન્ન થઈ હતી.
શહેરમાં ત્રીજ રથયાત્રા આશ્રાય સોસાયટીમાંથી નિકળી હતી. આશ્રાય સોસાયટી પાસે આવેલાં જગન્નાથ મંદિરમાંથી શ્રી જગન્નાથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ 21મી ભવ્ય જગન્નાથ યાત્રા પ્રસ્થાન કરાઈ હતી. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રાજી સુશોભિત રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નિકળ્યાં હતાં. રથયાત્રા તેના નિયત રુટ પર નિકળી હતી. ત્રણેય રથયાત્રા ટાણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ખાસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. રથયાત્રાના રૂટ પર ધાબા પોઈન્ટથી દરેક ગતિવિધી પર નજર રખાઈ હતી. ઉપરાંત બોડી વોર્મ કેમેરાથી સજજ પોલીસ જવાનો રથયાત્રામાં સાથે નિકળ્યાં હતાં. ઉપરાંત ખાનગી ડ્રેસમાં પણ પોલીસે તૈનાત રહી રથયાત્રા સંપન્ન કરાવી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો