રાજ્ય સરકાર દ્વારા ખનિજ અસરગ્રસ્ત ગામ તથા તે ગામની પ્રજાની સુખાકારી માટે પ્રધાનમંત્રી ખનિજક્ષેત્ર કલ્યાણ યોજનાના અમલીકરણ હેતુ ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનની રચના કરવામાં આવી છે.
જે અંતર્ગત ભરૂચ કલેક્ટર કચેરી ખાતે શનિવારે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યસ્થાને ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) ની મોનીટરીંગ કમિટીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના ખાણ- ખનીજથી અસરગ્રસ્ત પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રભાવિત વિસ્તારોમાં માળખાકીય લોકસુખાકારીના કામો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન, ભરૂચ અંતર્ગત વર્ષ 2023-24 થી 2025-26 માટેના નવા કામોના આયોજનને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી અને ભરૂચ જીલ્લાના ખનીજ પ્રભાવિત વિસ્તારોની સુખાકારીનાં કામો અર્થે કુલ રકમ રૂ.10.59 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જેમાં શિક્ષણ માટે 39 કામના રૂા. 498 લાખ, પાણીની સુવિધાના 5 કામ પેટે રૂા. 6પ લાખ, સ્વચ્છતાના 10 કામ પેટે રૂા. 86 લાખ, પર્યાવરણ જાળવણી તથા પ્રદૂષણ નિવારણના 6 કામ પેટે રૂા. 220 લાખ, પશુપાલન ક્ષેત્રે 2 કામ પેટે રૂા. 16 લાખ અને ભૌતિક સુવિધા ક્ષેત્રે 17 કામ પેટે રૂા. 174 લાખનો કામો મંજુર કરવામાં આવ્યા છે. જેના થકી ખનન પ્રવૃત્તિથી પ્રભાવિત વિસ્તારના લોકોને આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં લાભ મળશે.
આ બેઠક દરમ્યાન જિલ્લા સમાહર્તાએ જિલ્લાના વિકાસને વેગ આપવા અને DMF ના ભંડોળનો મહત્તમ ઉપયોગ કરી ગુણવત્તાસભર કામ કરવા ઉપરાંત સમય પર શ્રોષ્ઠ આયોજન અને અમલીકરણ જરૂરી તેમ ભાર પૂર્વક કહ્યું હતું. તેમજ બાકી રહેલા કામોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી
વધુમાં તેમણે, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) માં વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવા માટેના કામો તેમજ ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે લડવા માટે ગ્રીન કવર વધારવા પર ભાર મુકી વૃક્ષારોપણના કામોને પણ પ્રાધાન્ય આપવા અધિકારીઓને સૂચનો કર્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો