ભરૂચમાં કરમાડ-વાંસી રોડ પર હાઈટેન્શન લાઈનનો જીવંત વાયર તુટી પડતાં ભારે દોડધામ મચી હતી. બીજી તરફ વાહન ચાલકોએ પણ સમયસુચકતાં દાખવતાં દુર્ઘટના ટળી હતી. જોકે, અચાનક જીવંત વાયર તુટવાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

રોડની વચ્ચો વચ્ચ વાયર પડતાં વાહન વ્યવહાર અટવાયો હતો. જીવંત વાયર હોવાને કારણે દુર્ઘટના સર્જાવાની ભીતિને પગલે થોડીવાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે હાઈટેન્શન લાઈનનો વાયર તુટી પડવા જેવી ગંભીર ઘટનાને લઈને વીજ કંપનીની કામગીરી સામે સવાલો ઉભા થયાં હતાં. અગાઉ જિલ્લામાં બેવાર વીજ વાયર તૂટવાથી ઘટના બની હોવા છતાં કામગીરીમાં ચોક્સાઈ રાખવામાં આવી ન હોવાનો રોષ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો.ઉપરાંત કોઈ અધિકારી જવબદારી સ્વિકારવા તૈયાર ન હોવાનો પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. સ્થાનિકો અને ખેડૂતોએ તંત્ર સમક્ષ સમગ્ર મામલે ગંભીર ઘટનામાં નિષ્પક્ષ રીતે ઝીણવટભરી તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને અને કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમમાં ન મુકાય તે માટે હાઈટેન્શન લાઈનનું તાત્કાલિક નિરીક્ષણ કરી કાયમી સુરક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી છે.