ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રાધા કૃષ્ણ સોસાયટી ખાતે ગણેશોત્સવ દરમિયાન એક અનોખી અને પ્રેરણાદાયી પરંપરા જોવા મળી રહી છે. અહીં છેલ્લા 40 વર્ષથી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ અને સ્થાપના કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 9 વર્ષથી આ મંડળ દ્વારા ભરૂચમાં સૌપ્રથમવાર 14 ફૂટ ઊંચી ફાઇબરની પ્રતિમા સ્થાપિત કરવાની શરૂઆત કરવામાં આવી છે.

નર્મદા નદીને પ્રદૂષણમુક્ત રાખવાના સંકલ્પ સાથે આ પ્રતિમાનું છેલ્લા 9 વર્ષથી જળ વિસર્જન કરવામાં આવતું નથી. દર વર્ષે આ જ પ્રતિમાને નવા રંગરોગાન અને શણગાર સજાવીને સ્થાપિત કરવામાં આવે છે.મુખ્ય ફાઇબર પ્રતિમા સાથે રાખવામાં આવતી નાની સ્થાપના મૂર્તિનું જ માત્ર સોસાયટીના પ્રાંગણમાં વિસર્જન કરવામાં આવે છે. વિસર્જન બાદ સોસાયટીના રહીશો દ્વારા પવિત્ર માટીને પોતાના ઘરના ફૂલ-છોડના કુંડામાં પ્રસાદ સ્વરૂપે લઈ જવામાં આવે છે. આ પ્રતિમાની ચરણ પાદુકામાં સોનાનું કવર ચઢાવવામાં આવ્યું છે.