દિવાળીના તહેવારો દરમિયાન ઔદ્યોગિક એકમોમાં કર્મચારીઓની હાજરી ઓછી રહેતી હોય છે, જ્યારે કેટલાક કારખાનાઓ સંપૂર્ણપણે બંધ રહેતા હોય છે. આવા સંજોગોમાં ઔદ્યોગિક એકમોની સુરક્ષાની જવાબદારી મુખ્યત્વે સિક્યુરિટી જવાનોના શિરે રહેતી હોવાથી કોઈપણ આકસ્મિક દુર્ઘટનાને પહોંચી વળવા તેઓ સજ્જ બને તે હેતુથી ઝઘડિયા જીઆઈડીસી ખાતે ફાયર સેફ્ટી અને ર્ફ્સ્ટ એઇડ (પ્રાથમિક સારવાર) અંગેની વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી યોજાયેલી આ તાલીમ શિબિરમાં અંદાજે 70 જેટલા સિક્યુરિટી જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ, ભરૂચના નાયબ નિયામક એસ. પી. પાઠક, મદદનીશ નિયામક ડી. કે. પટેલ તથા ઝઘડિયા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન સિક્યુરિટી જવાનોને જો કોઈ કારણસર આગ કે અન્ય ઔદ્યોગિક દુર્ઘટના સર્જાય તો સિક્યુરિટી જવાનોની સતર્કતા અને સમયસર લેવાયેલાં પગલાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જવાનોને વ્યવહારુ તાલીમ આપી કટોકટીની સ્થિતિમાં ગભરાયા વિના યોગ્ય નિર્ણય લેવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.
