પવિત્ર શ્રાવણ માસમાં ભરૂચ જિલ્લામાં શીતળા સાતમની ભક્તિભાવ અને શ્રાદ્ધાપુર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ શીતળા માતાજીના મંદિરે દર્શન અને પૂજન માટે પહોંચી હતી. ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલા શીતળા માતાજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડતા સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
શ્રાવણ સુદ સાતમના દિવસે શીતળા માતાજીની પૂજા કરી ઠંડુ ભોજન આરોગવાની પરંપરા છે. આથી ગૃહિણીઓએ એક દિવસ અગાઉથી જ થેપલા, વડા, કઢી, ભાત, પૂરી, રોટલી, ભાખરી, મીઠાઈ સહિતની વિવિધ વાનગીઓ બનાવી તૈયાર કરી હતી. પરંપરા મુજબ ભોજન તૈયાર કર્યા બાદ ગેસના ચૂલા અને સ્ટવનું પણ પૂજન કરી તેને ઠંડા પાડી દેવામાં આવ્યા હતા. શીતળા સામતના દીવસે વહેલી સવારથી મહિલાઓ માતાજીના મંદિરો અને તળાવ કિનારે પહોંચી હતી. માતાજીની પૂજા-અર્ચના કરી પરિવારની સુખ-શાંતી અને આરોગ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અનેક સ્થળોએ મહિલાઓએ સમૂહમાં બેસીને ઠંડા ભોજનનો પ્રસાદ લીધો હતો.
