પવિત્ર અધિક માસ નિમિત્તે જંબુસર ખાતે શ્રી કાછિયા પટેલ સમાજની ત્રણ પંચ વાડીમાં આયોજિત બે દિવસીય શ્રી વિષ્ણુયાગ મહોત્સવ ભક્તિભાવ, વૈદિક પરંપરા અને ધાર્મિક ઉત્સાહના અનોખા માહોલ વચ્ચે સફ્ળતાપૂર્વક સંપન્ન થયો હતો. સમગ્ર મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો, શ્રાદ્ધાળુઓ અને ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહી યજ્ઞદર્શનનો લાભ લીધો હતો.


આ પ્રસંગે ડૉ. દીપકભાઈ રાઠોડ, સામાજિક કાર્યકર પ્રતાપભાઈ સોની, ભાજપ આગેવાન સંજયસિંહ યાદવ, ગણપતિ મંદિરના ટ્રસ્ટી સંજય પટેલ, કલ્પેશ પટેલ, વિશાલભાઈ પટેલ, યોગેશ પુરાણી, દત્ત સંદીપ ભાઈ પટેલ સહિત અગ્રણીઓ તથા યજમાનો ઉપસ્થિત રહ્યા હતા.યજ્ઞ દરમિયાન વૈદિક મંત્રોના ગુંજારવ અને હવનના પવિત્ર ધુમાડાથી સમગ્ર યજ્ઞસ્થળે આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સમગ્ર મહોત્સવ દરમિયાન નમો ભગવતે વાસુદેવાય મહામંત્રની સવા લાખ આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. યજ્ઞ દ્વારા વિશ્વ કલ્યાણ, સુખ-શાંતિ, સમૃદ્ધિ અને લોકમંગળ માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. મહોત્સવ ના પ્રથમ દિવસે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ એચ. કે. પટેલ, દત્ત સેવા મંડળના મોભી ઠાકોરભાઈ અમનપુરવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે બીજા દિવસે યોજાયેલી પૂર્ણાહુતિ વિધિ દરમિયાન તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, એપીએમસીના ચેરમેન વનરાજસિંહ મોરી, સંજયસિંહ યાદવ, નીતિનભાઈ પટેલ (ભોલાભાઈ), પિન્ટુભાઈ પઢીયાર (કારેલી), શહેરના આગેવાનો, નગરપાલિકાના સદસ્યો તેમજ વિશાળ સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી યજ્ઞની પૂર્ણાહુતિના દર્શનનો લાભ લીધો હતો.

લિંક ટેક્સ્ટ: ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: