હાંસોટ તાલુકા ભાજપ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાત સરકારના જળસંપતિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે હાંસોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભદાસ સામે આકરા પ્રહારો કર્યા હતા. ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે વલ્લભદાસ હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ પદે હતા અને જિલ્લા પંચાયતના સદસ્ય પણ રહી ચુક્યા છે તે દરમિયાન એક એવું લોકોપયોગી કામ બતાવે જે એમણે કરેલુ હોય તો પોતે રાજકારણ છોડી દેશે. માત્ર સત્તાની લાલસાને કારણે રાજકારણમાં આવેલા આ વલ્લભદાસ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા અને હાલ તેને ફરી ભાજપમાં આવવુ હતું પણ લાલસાને કારણે મેળ ન પડયો અને આ વખતે કોંગ્રેસને કોઈ ઉમેદવાર ન મળતાં પોતાના પરિવારના તમામ સભ્યો દ્વારા ઉમેદવારી કરવી પડી અને પોતે તથા તેમની પત્ની અને પોતાના પુત્ર અને પૂત્રવધુ ઉપરાંત પોતાની પુત્રીએે પણ જુદી જુદી આઠ જગ્યાએથી ઉમેદવારી કરી છે પણ આ વખતે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતમાં ભગવો જ લહેરાશે તેમાં કોઈ મીનમેખ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાબતે હાંસોટ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભદાસે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો