વાલીયા તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા નાગરિકોને ત્વરિત વહીવટી મદદ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ આપત્તિના પગલે વાલીયા તાલુકાના કોંઢ અને સિલુડી ગામમાં અસરગ્રસ્ત થયેલા રહેણાંક મકાનો અને ઘરવખરીની નુકસાનીનો અંદાજ મેળવવા માટે વહીવટી તંત્રની વિવિધ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર. ડૉ. નવનાથ ગવ્હાણેના સીધા માર્ગદર્શન હેઠળ વાલીયા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારની દેખરેખ નીચે ખાસ સર્વે ટીમોની રચના કરવામાં આવી છે. વાલીયા મામલતદાર. જીગ્નેશભાઈ કામદાર, નાયબ મામલતદાર અને તલાટી ગ્રામસેવકની ટીમ દ્નારા અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ટીમો દ્વારા કોંઢ અને સિલુડી ગામના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને ઘરોમાં થયેલા નુકસાન, કાચા-પાકા મકાનોની સ્થિતિ તેમજ ઘરવખરીને થયેલી નુકસાનીની ઝીણવટભરી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
