રવિવારથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. ન્ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં વિવિધ ચાર સ્થળોએ મોટા ગરબા આયોજનોની તડામાર તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે. નવરાત્રી પર્વને લઈને અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળશે. નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને ગરબાની રમઝટમાં ઝૂમવાની તક મળે તે માટે જીઆઈડીસીમાં ચાર અલગ-અલગ સ્થળોએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર જાણીતા કલાકારો પોતાની આગવી શૈલીમાં ગરબાની રમઝટ બોલાવશે, ત્યારે નવરાત્રીના નવ દિવસ ખેલૈયાઓ માટે ખાસ બની રહેશે.અંકલેશ્વર જીઆઈડીસીના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં જાણીતા કલાકારો માધવ જાદવ, જ્યોતિ ભાટિયા સહિતના કલાકારો ગરબાની રમઝટ બોલાવશે. યુવા મિત્ર મંડળ દ્વારા પણ દર વર્ષની પરંપરા જાળવી રાખીને આ વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પટેલ સમાજની વાડી ખાતે આવેલા જર્મન એ.સી. ડોમમાં ગરબાની રંગત જામશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ સ્થળે ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમી શકશે. નવરાત્રીના દિવસોમાં અહીં ગરબાપ્રેમીઓનો ઉત્સાહ અનેરો જોવા મળશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા માનવ મંદિર ખાતે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં જાણીતા કલાકારો જયેશ પંચોલી, નીલમ અમીન સહિતના કલાકારો પોતાના સૂર અને સંગીતથી ખેલૈયાઓને ગરબાના તાલે ડોલાવશે. જીઆઈડીસીમાં યોગી એસ્ટેટ નજીક આવેલા વિશાળ ગ્રાઉન્ડ ખાતે ખોડલધામ સમિતિ દ્વારા મેગા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ જગ્યામાં યોજાનારા આ મહોત્સવમાં ખેલૈયાઓને ગરબાની રમઝટ માણવાની તક મળશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
