આમોદના પુરસા રોડ પર આવેલી નવી નગરીમાં એક મકાનના બેઠક રૂમમાં અચાનક આશરે ચાર ફૂટ લાંબો કોબ્રા સાપ છત પરથી પટકાતાં પરિવારજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. બેઠક રૂમમાં પરિવારજનો બેઠા હતા ત્યારે અચાનક આંખ સામે ઝેરી સાપ દેખાતાં બૂમાબૂમ અને દોડધામ મચી ગઈ હતી.

પરિવારજનો એ સમયસૂચકતા દાખવી નેચર સેવિંગ્સ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો હતો. જાણ થતાં અંકિત પરમાર રેસ્ક્યૂ ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.દરમિયાન સતત ફુંફાડા મારતા કોબ્રા ને રેસ્ક્યૂ ટીમે સાવચેતીપૂર્વક પકડી લીધો હતો.કોબ્રાનું સફ્ળતાપૂર્વક રેસ્ક્યૂ થતાં પરિવારજનો તેમજ સ્થાનિક રહિશોએ રાહતનો શ્વાસ લીધો હતો. રેસ્ક્યૂ કામગીરી જોવા માટે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. બાદમાં પકડાયેલા કોબ્રાને સુરક્ષિત રીતે નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો.