મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને મહિલા અને બાળ અધિકારીની કચેરી સંચાલિત ભરૂચના નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે એક અત્યંત ભાવુક અને આનંદમય પ્રસંગ ઉજવાયો હતો. વર્ષ 2007 થી આ કેન્દ્રમાં આશ્રય લઈ રહેલી માતા-પિતા વિહોણી દીકરી સુનીતાના કારતક સુદ પૂનમ એટલે કે તા.24-11-26 ના રોજ ત્રાલસા નિવાસી સ્વર્ગસ્થ સુખદેવભાઈ અને શાંતાબેન પટેલના સુપુત્ર મહેશભાઈ પટેલ સાથે ધામધૂમથી શુભ લગ્ન યોજાયા હતા. નારી સંરક્ષણ કેન્દ્રના પ્રાંગણમાં શરણાઈના મધૂર સૂરો સાથે સમગ્ર વાતાવરણ લગ્નમય બની ગયુ હતુ. લગ્ન પ્રસંગે ભૂદેવોના વેદોકત મંત્રોચ્ચાર સાથે ગણેશ સ્થાપના, ગ્રહશાંતિ, હસ્તમેળાપ અને મંગળફેરા સહિતની તમામ શાસ્ત્રોકત વિધિઓ સંપન્ન કરાઈ હતી. આ પવિત્ર અવસરે જતીનભાઈ ભટ્ટ, નીલાબેન ભટ્ટ તેમજ હાર્દિકભાઈ ચૌહાણ અને તેમના ધર્મપત્નીએ માતા-પિતાની ખોટ ન વર્તાય તે રીતે સુનીતાનું કન્યાદાન કરીનુ પુણ્યનું ભાથું બાંધ્યુ હતુ. તમામ વિધિઓ પુર્ણ થયા બાદ ઉપસ્થિત સૌ કોઈની ભીની આંખો વચ્ચે દીકરી સુનીતાને ભાવભીંની વિદાય અપાઈ હતી.
