ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની પરિસ્થિતિને ધ્યાને રાખીને ડીએચએસ પ્રોગ્રામ કમિટી, સીએચસી અને પીઆઈયુ સમીક્ષા બેઠક તેમજ ચાંદીપુરા પીડિયાટ્રીક (બાળરોગ) સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આ બેઠક દરમ્યાન જિલ્લાના તમામ સામુહીક આરોગ્ય કેન્દ્રો (સીએચસી) અને પ્રોજેકટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો હોવાથી બાળકોની વિશેષ સારવાર અને વ્યવસ્થાપન માટે ખાસ પીડિયાટ્રીક બેઠકનું આયોજન કરીને તકેદારીના પગલાની ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની સજ્જતા ચકાસવા માટે કલેકટર ડો.નવનાથ ગવ્હાણે દ્વારા કેએમસીઆરઆઈ મેડિકલ કોલેજની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમ્યાન તેમણે મહત્વપુર્ણ સુવિધાઓ અને સજ્જતાની સમીક્ષા કરી હતી. સ્પેશિયલ વોર્ડની તૈયારીઓ, સંભંવિત દર્દીઓની તાત્કાલીક સારવાર માટે મેડિકલ કોલેજમાં ખાસ આઈસોલેશન વોર્ડ, કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે હોસ્પિટલમાં કાર્યરત વેન્ટિલેટરની સ્થીતિ વગેરે ચકાસવામાં આવી હતી. આ તકે કલેકટર ડો.નવનાથ ગવ્હાણેએ રક્તદાન કરીને અન્ય નાગરિકોને પણ આ કાર્યમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી.