દેણવા-ડોલિયા રોડ પર ઢાઢર નદીના દરિયા સાથેના સંગમના મુખપ્રદેશ વિસ્તારમાં નિર્માણ પામેલો 720 મીટર લંબાઈ અને 11 મીટર પહોળાઈ ધરાવતો દેણવા-ડોલિયા મેજર બ્રિજ સંપુર્ણપણે સુરક્ષિત છે. વર્ષ 2017 માં ઈજારદાર રાધે એસોસિએટસને વર્કઓર્ડર અપાયા બાદ આ બ્રીજની ભૌતિક કામગીરી પુર્ણ થઈ ચુકી છે. તકનીકી તપાસ મુજબ, મુખ્ય બ્રીજમાં કોઈ જ પ્રકારનું સ્ટ્રકચરલ ડેમેજ જણાયુ નથી અને પુલની સલામતી બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વર્ષ 2019 અને 2023 દરમ્યાન વિશ્વામિત્રી નદીમાં ભારે વરસાદને કારણે આવેલા પુરના પાણીની અસરથી ઢાઢર નદીના પ્રવાહમાં વધારો અને દિશામાં ફેરફાર જોવા મળ્યો હતો. વર્ષ 2018 માં ડોલિયા ગામ તરફના કિનારે વહેતી નદીનો પ્રવાહ વર્ષ 2022 થી 2025 દરમ્યાન ક્રમશઃ દેણવા ગામ તરફના કિનારા ભણી ફંટાયો હતો. આ ફેરફારને પરિણામે દેણવા ગામ તરફ નદીના પટની પહોળાઈ 120 મીટરથી 30 મીટર જેટલી વધીને 150 મીટર થઈ છે તેમજ દેણવા ગામ પાસે બ્રિજના એબટમેન્ટ-1 નજીક ધોવાણ થવાથી એપ્રોચ રોડ (માટીના પાળા) ને નુકશાન પહોંચ્યુ હતુ. વધુમાં દરિયામાં દરરોજ આવતી ભરતી-ઓટને કારણે નદીના ગોર્જ પોર્શનમાં પાણીની ઉંચાઈમાં 4 થી 7 મીટર જેટલો તફાવત રહેતો હોય છે. સતત ધોવાણને કારણે મુખ્ય બ્રિજ પર નહી પરંતુ દેણવા તરફ બ્રિજની 10 મીટર દુર આવેલા એપ્રોચ રોડમાં સેટલમેન્ટ અને નોન-સ્ટ્રકચરલ માઈનર ક્રેક જોવા મળી હતી જેની સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલીક ધોરણે મરામતની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. દેણવા બાજુના કાંઠા વિસ્તારના માટીના પાળા (એપ્રોચ) પર ભારે વાહનોની અવરજવરથી પાળો બેસી જવાની કે વધુ નુકશાન થવાની શકયતા હોવાથી, ભવિષ્યમાં કોઈ અનિચ્છિનીય બનાવ કે જાનહાની ન બને તે માટે તકેદારીના પગલા લેવાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો