ભરૂચ શહેરના સિધ્ધનાથનગરમાં આવેલા અંબાજી મંદિર તેમજ શક્તિનાથ મહાદેવ મંદિરમાં થયેલી ચોરીના ગુનામા સંડોવાયેલા આરોપીને ભરૂચ શહેર એ.ડીવીઝન પોલીસે સફળતાપુર્વક ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીના મુદ્દામાલ કબ્જે કરીને આશરે 10 થી વધુ મંદિર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે.

ગત 17 ઓગષ્ટના રોજ રાત્રિના સમયે સિધ્ધનાથનગરમાં આવેલા અંબાજી મંદિરમાં અજાણ્યો ચોર પ્રવેશી દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમ્યાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે શક્તિનાથ ગરનાળા પાસેથી આરોપી રાકેશ બચુમાઈ મેડા (ઉ.વ.35) મુળ રહે.દાહોડ, હાલ રહે.સુરતને ઝડપી પાડયો હતો. આરોપી પાસેથી રિયલમી કંપનીનો 1 મોબાઈલ ફોન કિંમત રૂા.5000 અને રોકડા રૂા.5740 મળી કુલ રૂા.10,740 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.