રાજ્યની પાસપોર્ટ-પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉઠાવી દેવાની ધમકી ભર્યા ઈ-મેઈલ કોઈ અજાણ્યા તત્વોએ કર્યાં છે. ત્યારે ભરૂચ પોલીસે ક્વિક રિસ્પોન્સ આપી તુરંત પાસપોર્ટ- પોસ્ટ ઓફિસોમાં વિસ્ફોટકોની તપાસ શરૂ કરી છે. ડોગ સ્કવોર્ડ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ સહિતની ટીમોએ પોસ્ટ ઓફિસના ખૂણે-ખૂણામાં મેટલ-બોમ્બ ડિટેક્ટરની મદદથી ચેકીંગ કર્યું હતું. પોસ્ટ ઓફિસમાં આવતા પાર્સલોમાં બોમ્બ હોવાની શક્યતાં નકારી શકાય તેમ ન હોવાથી ટીમોએ તમામ પાર્સલોની અને શંકાસ્પદ બેગોની ઝીણવટભરી રીતે તપાસ કરી હતી. સમગ્ર મામલામાં પોલીસે તપાસને બે દિશામાં શરૂ કરી છે. એક તરફ ટીમો પાસપોર્ટ- પોસ્ટ ઓફિસોમાં ચેકિંગ કરી રહી છે. ત્યારે બીજી તરફ સાયબર ક્રાઈમની ટીમો તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓએ બોમ્બ થ્રેડનો ઈ-મેલ કોણે કર્યો છે? કયાંથી આવ્યો છે ? આવા ઈ-મેલ કરનારા અસામાજિક તત્વો દેશમાંથી જ આઈપી એડ્રેસ બદલીને ખેલ કરી રહ્યાં છે કે પછી કોઈ ચોક્કસ ટોળકી સક્રિય છે તે સહિતી વિગતો મેળવવા ટેક્નિકલ તપાસ પણ શરૂ કરી છે.
જોકે, ઘટનાને લઈને હાલમાં પોલીસે લોકને કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વિના સતર્કતા રાખવા અનુરોધ કર્યો છે. ઉપરાંત કોઈપણ સ્થળે શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરાય તેવી અપીલ કરી હતી. ગુરુવારે ભરૂચમાં અલગ અલગ જગન્નાથ રથયાત્રા નીકળનાર છે ત્યારે રથયાત્રાના દિવસે શહેર જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જોકે, નાગરિકોએ પણ તહેવારને લઈને સતર્કતા દાખવવામાં આવે તેવી અપીલ કરાઈ છે.
