ભરૂચના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ કબીરવડને લઈને વિવાદ સર્જાયો છે. મંગલેશ્વર ગ્રામ પંચાયત દ્વારા હાલમાં ચાલતાં મઢી-કબીરવડ હોડીઘાટને બંધ કરી દેવામાં આવતા રોજના હજારો પ્રવાસીઓ અટવાઇ રહ્યા છે. જિલ્લા પંચાયત દ્વારા અંદાજે 44 લાખમાં ફળવાયેલાં હોડીઘાટના સંચાલન અને તેના આવકને લઈને પ્રશ્નો ઉભા થયાં છે. વર્ષોથી જિલ્લા પંચાયત દ્વારા હોડીઘાટની હરાજી કરવામાં આવે છે. પરંતુ આ વખતે હોડીઘાટની જમીન ગ્રામ પંચાયત હસ્તકની હોઈ હોડીઘાટનું સંચાલન તથા તેના આવક પર હક્ક ગ્રામ પંચાયતનો છે તેવુ કારણ રજૂ કરીને મંગલેશ્વરના સરપંચે હોડી ઘાટ જ બંધ કરાવી દીધો છે. ભરૂચ જિલ્લામાં આવેલાં અંદાજે 18 હોડીઘાટોનું સંચાલન જિલ્લા પંચાયત હસ્તક કરવામાં આવે છે. જિલ્લા પંચાયત દ્વારા હોડીઘાટની હરાજી કરી તેનો ઈજારો આપવામાં આવે છે. જેના ભાગરૂપે મઢી-કબીરવડ હોડીઘાટનું સંચાલનનો ઇજારો કમલેશ માછીને સોંપવામાં આવ્યો છે. દરમિયાનમાં મંગલેશ્વર ગ્રામ પંચાયત દ્વારા તેમને લેખિતમાં હોડીઘાટ બંધ કરવા માટે સુચના આપી દેવાતાં આખો મામલો ગરમાયો છે. ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચ પંકજ વસાવાએ જણાવ્યું હતું કે, મંગલેશ્વર ગ્રામ પંચાયત દ્વારા સર્વે નંબર 851 તેમજ 52- જમીન ગ્રામ પંચાયતની માલિકીની છે. જો જમીન ગ્રામ પંચાયતની હોય તો તેનો કબજો પણ ગ્રામ પંચાયતને પરત મળવો જોઈએ તેમજ હોડી ઘાટના સંચાલનની જવાબદારી પણ ગ્રામ પંચાયતને સોંપવી જોઈએ. ગ્રામ પંચાયતનું માનવું છે કે, હોડીઘાટના સંચાલનમાંથી થતી આવકનો ઉપયોગ ગામના વિકાસના કામો માટે થઈ શકે. જેથી જમીન અને હોડીઘાટના સંચાલન માટે સ્પષ્ટ નિર્ણય લઈને તમામ વ્યવસ્થા ગ્રામ પંચાયતને સોંપવામાં આવે. જોકે, બીજી તરફ હોડીઘાટના સંચાલકે ઘાટની હરાજીમાં તેને કરાયેલી ફાળવણી તેમજ તેણે ચૂકવેલી રકમનો હવાલો આપવામાં આવતાં બન્ને પક્ષના દાવા વચ્ચે મામલો ગૂંચવાયો છે. ત્યારે આગામી દિવસોમાં સમગ્ર મામલો વધુ રોચક બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામા આવી રહી છે. હોડીઘાટની તમામ જવાબદારીઓ ગ્રામ પંચાયતને સોંપવામાં આવે તેવી માગ ગ્રામ પંચાયત તેમજ સભ્યો તથા ગ્રામજનો કરી રહ્યાં છે. ત્યારે શુક્રવારે ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ સરપંચ તેમજ પંચાયત સભ્યો અને ગ્રામજનોએ મળીને હોડીઘાટ તરફ જવાનો રસ્તો બંધ કરી દેવાયો હતો. જેના પગલે પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
