ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે કારતક સુદ પૂનમ એટલે કે દેવદિવાળીના પાવન અવસરે રણછોડજી મંદિર ખાતે પરંપરાગત તુલસી વિવાહનો ધાર્મિક પ્રસંગ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ યોજાયો હતો. જેમાં ભાલોદ ગામ સહિત આસપાસના વિસ્તારના ભક્તો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી. ભાલોદના રણછોડજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવદિવાળીના પવિત્ર દિવસે તુલસી વિવાહ યોજાયો હતો. આ નિમિત્તે મંદિરને આકર્ષક રોશની, ફૂલોની માળાઓ અને સુંદર રંગોળીથી શણગારાયું હતું. મંદિરનો આકર્ષક શણગાર અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર મંદિર પરિસર જાણે ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. બપોર બાદ ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહની ધાર્મિક વિધિ શરૂ કરાઈ હતી. જેમાં મંગલફેરા, કન્યાદાન સહિત લગ્નની વિવિધ વિધિઓ શાસ્ત્ર્રોક્ત પરંપરા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. હિન્દુ પરંપરા મુજબ તુલસી વિવાહ બાદ લગ્નસરાની મોસમનો પ્રારંભ થતો હોવાથી આ પર્વનું વિશેષ ધાર્મિક મહત્ત્વ પણ રહેલું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો