જંબુસર તાલુકાના વાવલી ગામે નર્મદા નિગમની બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. નહેરની યોગ્ય સફાઈ અને સમયસર જાળવણીના અભાવે નહેર તૂટી જવાની ઘટના બનતાં નહેરનું પાણી આસપાસનાં ખેતરોમાં ફરી વળ્યું હતું. જેના કારણે અંદાજે 15 થી 20 ખેડૂતોનાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.નહેરનું પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર નહેર તૂટવાથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેતીના કામકાજમાં પણ મુશ્કેલીઓ સર્જાઈ છે. વર્ષભરની મહેનત બાદ તૈયાર થયેલા પાકને નુકસાન થવાની શક્યતાને પગલે ખેડૂતોમાં ચિંતા અને નિરાશા જોવા મળી રહી છે.આ ઘટનાને પગલે નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. નહેરની સમયસર તપાસ, સફાઈ અને જાળવણી કરવામાં આવી હતી કે કેમ તે અંગે પણ તપાસ થવી જરૂરી છે.ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક નહેરનું સમારકામ કરવામાં આવે, ખેતરોમાં ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેમજ અસરગ્રસ્ત 15 થી 20 ખેડૂતોનાં ખેતરોનું સ્થળનિરીક્ષણ કરી પાકને થયેલા નુકસાનનો સર્વે કરવા અને નિયમ મુજબ યોગ્ય વળતર કે સહાય આપવામાં આવે.
