સંજેલી તાલુકામાં નલ સે જલ યોજના માટે રૂા.50 કરોડની માતબર ગ્રાન્ટ ફાળવાઈ હતી. તેમ છતાં તાલુકાના કરંબા, સંજેલી, ચમારિયા,પ્રતાપપુરા, ગોવિંદા તળાઈ, મોલી, વાંસિયા, ડુંગરા સહિતના ગામોમાં બે વર્ષ બાદ પણ લોકોને પાણી નહીં મળતાં પાણીની સમસ્યાથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે, તેમજ લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સંજેલી તાલુકાના 57 જેટલા ગામડામાં નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇનો નાંખી ઘરોની બહાર સ્ટેન્ડ પોસ્ટ મુકી નળ ફીટ કરી દેવાયા છે, પરંતુ નળમાં પાણી આવતું નથી. આ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. અમુક ગામોમાં હજુ સુધી પાણીના સમ્પ અને ટાંકી બનાવવાની કામગીરી બાકી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા ધીમી ગતિએ કામ કરાઈ રહ્યું હોવાનું અને કેટલાક કોન્ટ્રાક્ટરો તો કામગીરી અધૂરી મૂકીને રફુચક્કર થઈ ગયા હોવાની ફરિયાદો ઊઠી છે. સંજેલી તાલુકો અંતરિયાળ અને જિલ્લા મથક થી દૂર આવેલ હોવાના કારણે અધિકારીઓને પહોંચવામાં મુશ્કેલી પડે છે. અધિકારીઓ અને સુપરવાઈઝરોની યોગ્ય દેખરેખ નહીં હોવાથી કોન્ટ્રાક્ટરોને ફાવતું મળી જાય છે. આ અંગે યુનિટ મેનેજર સૌમિલભાઈએ જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ પાણીના વિતરણ માટેના સ્ટાફ્ની કમી છે અને જ્યાં સ્ટાફ્ છે ત્યાં પગાર ચૂકવાતો નથી, જેના કારણે લોકોના ઘર સુધી પાણી પહોંચી શકતું નથી. સંજેલી તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર નીચા હોવાના અને પુરતા પાણીના સ્ત્રોત નહીં હોવાના કારણે પાણીની ગંભીર સમસ્યા છે. આ અંગે ટૂંક સમયમાં બેઠક મળશે અને યોગ્ય નિકાલ લાવવા કામગીરી કરાશે.










