ભરૂચ : ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પ્રજાલક્ષી પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સતત કાર્યશીલ છે. અંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરા ગામ ખાતે ચાલતા નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (બુલેટ ટ્રેન) પ્રોજેકટની કામગીરીના કારણે સ્થાનિક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. ખેડૂતોની આ સમસ્યાને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિલંબ વિના પ્રસંશનીય અને ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે.
ખેતરોમાં ભરાયેલા વરસાદી પાણીના ઝડપી અને યોગ્ય નિકાલ માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના અધિકારીઓ તાત્કાલીક સ્થળ પર પહોંચ્યા હતા. મામલતદાર અંકલેશ્વર, પીઆઈ પાનોલી તથા બુલેટ ટ્રેન પ્રોજેકટના અધિકારીઓની હાજરીમાં આ પાણીના નિકાલ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેકટના અધિકારીઓ સાથે સંકલન સાધીને પાણીના નિકાલ માટે જરૂરી તમામ ટેકનિકલ અને વહીવટી પગલા લેવામાં આવ્યા છે. જેથી ખેડૂતોના પાકને થતુ નુકશાન અટકાવી શકાય. ચોમાસાની આ પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ વહીવટી તંત્ર દ્વારા દાખવવામાં આવેલી આ ત્વરિતતા અને સક્રિયતાના કારણે ઉંટીયાદરાના ખેડૂતો અને ગ્રામજનોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે.
