જંબુસરની જે.એમ. શાહ કોલેજ ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યુવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરતી આબા ભગવાન બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને બલિદાનને યાદ કરી જનજાતીય સમાજના ગૌરવશાળી ઇતિહાસને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં યુવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 

કાર્યક્રમમાં 142-સયાજી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી ,મુખ્ય વક્તા વિમલભાઈ શાહ, જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા સંજયસિંહ યાદવ,તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ એચ.કે.પટેલ,જંબુસર નગરપાલિકા પ્રમુખ ચૈતાલી બેન પ્રજાપતિ, મામલતદાર એન.એસ વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્ય વક્તા વિમલભાઈ શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારતની આઝાદીની લડતમાં જનજાતીય અને આદિવાસી સમાજના વીર શહીદોનું યોગદાન ઐતિહાસિક અને અમૂલ્ય રહ્યું છે. અંગ્રેજી શાસન સામે સંઘર્ષ કરીને અનેક જનજાતીય ક્રાંતિકારીઓએ દેશની સ્વતંત્રતા, સમાજના અધિકારો,જમીન, જંગલ અને સંસ્કૃતિ ના રક્ષણ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતના સ્વાતંર્ત્ય સંગ્રામનો ઇતિહાસ જનજાતીય સમાજ ના બલિદાન વિના અધૂરો છે. ભગવાન બિરસા મુંડા જેવા મહાન ક્રાંતિકારીઓના જીવન અને સંઘર્ષમાંથી આજની યુવા પેઢીએ પ્રેરણા લેવી જોઈએ. યુવાનો પોતાના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરે તેમજ રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપે તે જરૂરી છે.યુવા સભા દરમિયાન જનજાતીય સમાજની સંસ્કૃતિ, પરંપરા, સામાજિક એકતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ યુવાનોમાં પોતાના ઐતિહાસિક વારસા પ્રત્યે ગૌરવની ભાવનાજગાવવા અને ભગવાન બિરસા મુંડાના આદર્શોને જીવનમાં ઉતારવા પ્રેરણા આપવામાં આવી હતી.કાર્યક્રમની સાથે જનઆરોગ્યને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફ્સિર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 65 જેટલા લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આમ, જનજાતીય ગૌરવ, રાષ્ટ્રપ્રેમ, સામાજિક એકતા અને આરોગ્ય જાગૃતિના સંદેશ સાથે જંબુસરની જે. એમ. શાહ કોલેજ ખાતે યોજાયેલી યુવા સભા જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીમાં મહત્વપૂર્ણ બની રહી હતી. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો