ભરૂચ જિલ્લાના આમોદ પંથકમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. કેરવાડા અને બુવા ગામની વચ્ચે આજે એક પૂરપાટ ઝડપે આવતા ડમ્પર અને મોટરસાયકલ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક વૃદ્ધનું ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.


ડમ્પર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં વૃદ્ધનું મોત

મળતી માહિતી મુજબ, આમોદના ઈંટોલા ગામે રહેતા 62 વર્ષીય અબ્બાસ રહીમ જાદવ પોતાના અંગત કામ અર્થે કેરવાડા ગયા હતા. કેરવાડાથી પોતાના ગામ ઈંટોલા પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન કેરવાડા-બુવા રોડ પર સામેથી આવી રહેલા એક ડમ્પરે (જેના પર 'PWD' લખેલું હોવાનું જણાયું છે) તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે અબ્બાસભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

પરિવારમાં શોકનું મોજું

એક સામાન્ય મુસાફરી આ રીતે જીવલેણ સાબિત થશે તેવું સ્વપ્ને પણ ન વિચારનાર પરિવારજનો અને ઈંટોલા ગામના લોકો ઘટનાની જાણ થતા જ સ્થળ પર દોડી આવ્યા હતા. વયોવૃદ્ધ મોભીના અચાનક નિધનથી સમગ્ર ગામમાં શોક અને આક્રંદનો માહોલ છવાઈ ગયો છે.ઘટનાની જાણ થતા જ આમોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, અકસ્માત મોતનો ગુનો નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Aravalli: ભિલોડાના ટાકાટુકા ગામે ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ, 23 છોડ અને 9.70 કિલો જથ્થા સાથે એકની ધરપકડ

  • Follow us on: