ભરુચ જિલ્લાની ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઝઘડિયામાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ નામની કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી છે. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે, જેને પગલે સમગ્ર ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ
બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને જોતજોતામાં આગે આખી કંપનીને લપેટમાં લઈ લીધી હતી. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ ઝઘડિયા, અંકલેશ્વર અને ભરુચથી ફાયર ટેન્ડરોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે અને આગ પર કાબૂ મેળવવા માટે વોટર કેનનનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.










