ભરૂચ જિલ્લાના વાલિયા પંથકના એક ગામમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. માત્ર 5 વર્ષની માસુમ બાળકીને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ચકચારી બનાવમાં વાલિયા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને સુરત જિલ્લામાંથી દબોચી લીધો છે.
સાથે દુષ્કર્મમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ
વાલિયા પંથકમાં રહેતી 5 વર્ષીય બાળકીને 51 વર્ષીય નરાધમ રાજુ શાંતિલાલ ગામીતે નિશાન બનાવી હતી. આરોપીએ માસુમ બાળકીને ચોકલેટ આપવાના બહાને ફોસલાવી ગામની સીમમાં લઈ જઈ નરાધમ કૃત્ય આચર્યું હતું. આ ઘટના બાદ પરિવારે હિંમત દાખવી વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસની અભૂતપૂર્વ તપાસ
ઘટનાની ગંભીરતા જોઈ ભરૂચ પોલીસે તત્કાલ 7 અલગ-અલગ ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન પોલીસે આસપાસના વિસ્તારના 500થી વધુ શકમંદોની કડક પૂછપરછ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક કડીઓના આધારે પોલીસ આરોપી રાજુ ગામીત સુધી પહોંચી હતી.
લગ્નપ્રસંગમાં જઈને આરોપીને દબોચ્યો
પોલીસને બાતમી મળી હતી કે ગુનો આચર્યા બાદ આરોપી સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાગનેરા ગામે એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. પોલીસે ત્યાં પહોંચી લગ્નના માહોલ વચ્ચેથી જ નરાધમ રાજુ ગામીતને દબોચી લીધો હતો. હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Rajkot: રીબડા ઈન્ડસ્ટ્રીઝ એરિયાની પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ, માલ-સામાન બળીને ખાખ