ભરૂચમાં યોજાતાં ભાતિગળ મેઘરાજાના મેળાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈછે. મેળામાં સ્ટોલ અને દુકાનોની ફાળવણી માટે સોમવારે સિટી સર્વે વિભાગ દ્વારા નગરપાલિકા કચેરીના સભાખંડમાં કુલ 106 પ્લોટ માટેની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરમાં 250થી વધુ વર્ષથી યોજાતાં પરંપરાગત અને ભાતિગળ મેળો યોજાય છે. જેમાં ભરૂચ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. મેળા દરમિયાનમાં ખાણીપિણી સહિતની વિવિધ વસ્તુઓના સ્ટોલ અને નાની મોટી દુકાનો ધમધમતી જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દુકાનો માટેના પ્લોટની ફાળવણી સિટી સર્વે વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. સોનેરી મહેલથી પાંચબત્તી વિસ્તાર સુધીમાં વિવિધ સ્થળોએ સ્ટોલ અને દુકાનો માટે પ્લોટ ફાળવવામાં આવે છે. જે માટે હરાજી પ્રક્રિયામાં સૌથી વધુ બોલી લગાવનાર દુકાનદારને સંબંધિત પ્લોટ ફાળવવામાં આવે છે. ભરૂચ નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ એ. એસ. સૈયદની અધ્યક્ષતામાં સોનેરી મહેલથી પાંચબત્તી વિસ્તારમાં પાડેલાં કુલ 106 પ્લોટની હરાજી યોજવામાં આવી હતી. હરાજીમાં મોટી સંખ્યામાં દુકાનદારો ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ પોતાની પસંદગીના સ્થળે સ્ટોલ મેળવવા માટે ઉત્સાહપૂર્વક બોલી લગાવી હતી. મેળામાં સ્ટોલ મેળવવા માટે દુકાનદારો વચ્ચે ભારે રસ જોવા મળ્યો હોત. હરાજી પ્રક્રિયા દરમિયાન ઊંચી બોલી લગાવનાર દુકાનદારોને નિયમાનુંસાર સ્ટોલ ફાળવણી કરવાની કવાયત હાથ ધરાઈ હતી.