વાલિયા પંથકમાં વરસેલા અતિભારે વરસાદને પગલે તાલુકાનું સિલુડી ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ગામના માર્ગો પર ઘુંટણસમા પાણી ભરાવા સાથે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતાં, જેને પગલે તાલુકા તંત્ર દ્વારા ગામમાં પહોંચી બચાવ ટુકડી દ્વારા 50 જેટલા લોકોને સ્થળાંતર કરાયા હતાં.હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વાલિયા પંથકમાં આજે બપોરે 2 કલાક સુધીમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે સિલુડી ગામ બેટમાં ફેરવાયું હતું. ગામના માર્ગો જળબંબાકાર થઈ ગયા હતાં. ગામમાંથી પસાર થતા કોતરના પાણી 10થી વધુ ઘરોમાં ઘુસી જતા ગ્રામજનોમાં નાસભાગ મચી હતી. પંથકમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ગામના માર્ગો ઉપરાંત ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં, લોકોને પોતાની ઘરવખરી પણ બચાવવાનો સમય મળ્યો ન હતો. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે અનેક ઘરોમાં ઘરવખરી અને રાચરચીલું પલળી જતાં વ્યાપક નુકશાન પણ થયું હતું. જ્યારે એક મકાનમાં ભુવો પડી ગયો હતો, તેમજ સ્કૂલ ફ્ળિયામાં બે મકાનોની દીવાલ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે, આસપાસમાં કોઈ નહીં હોવાથી કોઈ જાનહાનિ થઈ નહતી, જ્યારે મકાનમાં રહેલા પરિવારના સાત લોકોનો આબાદ બચાવ થયો હતો. પરિવારના સભ્યોએ દિવ્યાંગ વૃધ્ધાને બચાવી લીધી હતી. આ પરિસ્થિતિ અંગેની જાણ થતાં ગામના તલાટી દોડી આવ્યા હતા, અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરી પૂરની સ્થિતિમાં ફસાયેલા 50 જેટલા લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. પૂરની આ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક લોકોએ સહાયની માંગ કરી હતી.
