ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર નવનાથ ગવાણે દ્વારા જિલ્લામાં ચાલતી ખનીજ ચોરીને ડામવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ-વાગરા એસડીએમ મનીષા માનાણી તેમજ તેમની ટીમ દ્વારા ગેરકાયદે માટી ખનનના કૌભાંડ ઝડપી પાડવામાં આવી રહ્યાં છે.
પહેલાં વાગરાના હરીનગર ખાતે તેમની ટીમે દરોડો પાડી સરકારી જમીનમાં ગેરકાયદે માટી ખનન કરવાના કારસો ઝડપી પાડયો હતો. દરમિયાનમા વાગરા પંથકમાં જ વધુ એક સ્થળ ગેરકાયદે માટી ચોરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે એસડીએમ મનીષા મનાણીએ તેમની ટીમ સાથે તુરંત સ્થળ પર દોડી જઈ ચેકિંગ કરતાં એક ટ્રકમાં માટી લઈ જવામાં આવી રહી હોવાથી તેની પાસે માટીની રોયલ્ટી પાસની માગણી કરતાં ચાલક પાસે કાંઈ મળ્યું ન હતું. બીજી તરફ તેમણે સ્થળ પર જઈ તપાસ કરતાં ત્યાં ઈજારદારે તેને મળેલી પરવાનગીથી પણ ખુબ વધુ પ્રમાણમાં માટી ઉલેચી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઈજારદારે માટીનું ખોદકામ એટલું ઉંડુ કર્યું હતું કે જમીનમાંથી ઝરણૂં ફુટી નિકળતાં ત્યાં તળાવ ભરાયેલું જણાયું હતું. કોઈ પણ લીઝ હોય તો તેમાં પર્યાવરણની સુરક્ષાને લઈને ચોક્કસ નિયમોનું પાલન કરવાનું હોય છે. જોકે, ઘણાખરા લીઝધારકો નિયમોને નેવે મુકી પર્યાવરણને નુકસાન કરવાનો કારસો રચ્યો છે. તેજ રીતે વાગરાના વસ્તીખંડાલી ગામે પણ એસડીએમ મનીષ માનાણી અને તેમની ટીમે વાગરા પંથકમાં આવેલાં વસ્તી ખંડાલી ગામે દરોડો પાડયો હતો. જેમાં તપાસ કરતાં માલુમ પડયું હતું કે, તે લીઝની પરવાનગી આપવામાં આવી હતી. જોકે, લીઝધારકે અતિ વધારે અને પરવાનગી વિના અનહદ માટી ખોદાણ કરી દેતાં ત્યાં ત્યાં તળાવ બની ગયાં હતાં. જેને પગલે એસડીએમ મનીષા માનાણીએ તેનો આખો રિપોર્ટ કરી ખાન ખનિજ વિભાગને સ્થળ મુલાકાત લઈ જીપીએસ માપણીથી જમીનની માપણી કરવામાં આવે જેથી સાચા કસુરવારો સામે કાર્યવાહી કરવા માટે તાકીદ કરી હતી.










