ભગવાન ભોળાનાથ પ્રત્યેની અખંડ શ્રાદ્ધા, ભક્તિ અને સમાજમાં સમરસતાનો સંદેશ લઈને ભરૂચથી નીકળેલી સમરસ કાવડ યાત્રાનું જંબુસર શહેરમાં ભવ્ય અને ભાવપૂર્ણ સ્વાગત કરાયું હતું. કાવડિયાઓના આગમન સમયે હર હર મહાદેવ અને બમ બમ ભોલેના ગગનભેદી જયઘોષથી સમગ્ર જંબુસર શહેર શિવમય બની ગયું હતું. મોટી સંખ્યામાં શિવભક્તો યાત્રાના સ્વાગત માટે ઉમટી પડતાં શહેરમાં ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
સમરસ કાવડ યાત્રાના જંબુસર આગમન પ્રસંગે ભરૂચ હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ તથા ભરૂચ તાલુકા ભાજપના મહામંત્રી પ્રયાગરાજસિંહ વાંસિયા વિશેષ ઉપસ્થિત રહી કાવડિયાઓનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, તાલુકા ભાજપ મહામંત્રી જ્યોતિષ જાદવ, શહેર પ્રમુખ મનન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય કિરપાલસિંહ સિંધા સહિત આગેવાનો, કાર્યકર્તાઓ અને હિન્દુ સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક આગેવાનો તેમજ શિવભક્તોએ કાવડિયાઓનું અભિવાદન કરી યાત્રાને આવકારી હતી. કાવડ યાત્રામાં જંબુસર તાલુકાના હિન્દુ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો, યુવાનો અને શિવભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ભક્તિગીતો અને ભગવાન શિવના જયઘોષથી સમગ્ર માર્ગ શિવમય બની ગયો હતો. જંબુસર ખાતે રાત્રિ વિરામ બાદ કાવડ યાત્રાએ વહેલી સવારે કંબોઈ સ્થિત પવિત્ર સ્તંભેશ્વર મહાદેવ તીર્થધામ તરફ્ પ્રયાણ કર્યું હતું. કાવડિયાઓ અને શિવભક્તોએ નર્મદા મૈયાના પવિત્ર જળથી સ્તંભેશ્વર મહાદેવને જલાભિષેક કરી ધન્યતા અનુભવી હતી. સમરસ કાવડ યાત્રાના આયોજકો દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો, પરસ્પર સ્નેહ અને સનાતન સંસ્કૃતિના મૂલ્યોને મજબૂત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
