. જંબુસરમાં શિક્ષણ સાથે સંસ્કાર અને શિસ્તનું ઘડતર કરતી નવયુગ વિદ્યાલયના પ્રાંગણમાં જ રાત પડતા દારૂડિયાઓ ખુલ્લેઆમ દારૂની મહેફિલો કરી રહ્યા છે અને તેના પ્રમાણ રૂપે શાળાના પ્રાંગણના બાકડા ઉપર દારૂ બિયરની બોટલની સાથે ચાખણાના પડીકાઓ પણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, શાળાના મેદાનમાં તેમજ બાંકડાઓ ઉપર દારૂ અને બીયરની ખાલી બોટલો જોવા મળતી હોવાના કારણે શાળા સંચાલન માટે પણ આ ગંભીર બાબત બની છે. રાત્રિના સમયે શાળાના મેદાનમાં કોણ પ્રવેશ કરે છે અને ત્યાં આ પ્રકારની પ્રવૃત્તિઓ કેવી રીતે થાય છે તે અંગે તપાસની જરૂરિયાત ઉભી થઈ છે.
નવયુગ વિદ્યાલયનું મેદાન વિદ્યાર્થીઓના રમતગમત, શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાય છે. આવા સ્થળે નશાકારક પ્રવૃત્તિઓ ના અવશેષો જોવા મળવા એ શાળાના સંસ્કારસભર વાતાવરણને લઈને સવાલ ઊભો કરે છે. સાથે જ શાળાના વિદ્યાર્થીઓ તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત્રિના સમયે મેદાનમાં થતી અવરજવર પર નજર રાખવાની જરૂરિયાત પણ વ્યક્ત થઈ રહી છે.
શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે સંબંધિત તંત્રને આ મામલે યોગ્ય તપાસ હાથ ધરવા વિનંતી કરી છે. શાળાની ગરિમા જળવાઈ રહે, પરિસર સુરક્ષિત રહે અને વિદ્યાર્થીઓ પર કોઈ આડઅસર ન થાય તે માટે જરૂરી પગલાં લેવા અપીલ કરાઇ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો