દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તહેવારોના દિવસોમાં શહેરમાંથી કુલ 380 ટન કચરો એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં સામાન્ય દિવસો કરતાં અંદાજે 60 ટન જેટલો વધારાનો કચરો સામેલ છે. તહેવારોની ભીડ અને ખરીદીને કારણે મુખ્ય બજારો તથા રહેણાંક વિસ્તારોમાં કચરાનું પ્રમાણ વધવાની શક્યતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ હેઠળ 70 જેટલા વધારાના કર્મચારીઓ સહિત કુલ 1200 સફાઈ કામદારોને ફ્લ્ડિમાં ઉતારવામાં આવ્યા હતા. શહેરના તમામ વિસ્તારો સતત ચોખ્ખા રહે તે માટે દરેક સફાઈ કામદારે દિવસ તેમજ રાત એમ બંને શિફ્ટમાં સતત ફરજ બજાવી હતી. મેન્યુઅલ સફાઈની સાથે-સાથે યાંત્રિક સફાઈ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ માટે 6 જેટલા હાઈટેક સ્વીપર મશીનો કાર્યરત કરવામાં આવ્યા હતા. આ મશીનો દિવસ અને રાત્રિ દરમિયાન નિર્ધારિત કરાયેલા કુલ 12 રૂટ પર ફરીને રસ્તાઓની સફાઈ સુનિશ્ચિત કરી રહ્યા હતા. દિવાળી પર્વ નિમિત્તે ફ્ટાકડા, પેકિંગ મટિરિયલ અને ઘરવખરીની સફાઈના કારણે સામાન્ય દિવસોની સરખામણીએ કચરામાં 60 ટનનો નોંધપાત્ર વધારો નોંધાયો હતો. આમ છતાં, મનપાના સફાઈ કર્મચારીઓ અને મશીનરીના સંકલનથી શહેરના માર્ગો અને બજારોમાંથી ઝડપથી 380 ટન કચરો એકત્ર કરી લેવાતાં નૂતન વર્ષમાં નાગરિકોને ગંદકીમાંથી મૂક્તિ મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો