પાલીતાણા તાલુકાના ફાસરા ગામે વાડી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી ક્રાઈમ બ્રાંચે ફાસરા ગામના એક શખસને ઝડપી પાડી સ્થળ પરથી દેશી દારૂ બનાવવાનો આથો, દેશી દારૂ, અખાધ્ય ગોળ, ખજુર, ગેસના ચુલા સહિતનો મુદામાલ બરામત કર્યો હતો. જ્યારે પુછપરછ દરમિયાન ત્રણ શખસના નામ ખુલવા પામ્યા હતા.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, ફાસરા ગામના અરવિંદ નરશીભાઈ ડાભી ફાસરા ગામની ગોવિંદભાઈ જીવાભાઈની વાડીના શેઢે ગેર કાયદેસર રીતે દેશી પીવાનો દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે, તેમજ દેશી દારૂ બનાવી પોતાના કબ્જામા રાખી વેચાણ કરે છે, અને હાલ દારૂની ભઠ્ઠી શરૂ છે. જે બાતમી અંગે રેઇડ કરતાં ગેરકાયદેસર રીતે દેશી પીવાના દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી મળી આવતા ભઠ્ઠી તોડી પાડી સ્થળ પરથી આથો કુલ લીટર 1700, દેશી પીવાનો દારૂ લીટર 05, કાળો અને રસી વાળો અખાધ્ય ગોળના ડબ્બા નંગ-11, ઈસ્ટ 500 ગ્રામના આઠ પેકેટ, ખજુર બોક્ષ નંગ;-03 (પેકેટ નંગ;-60), ગેસના ચુલા નંગ-02, ગેસના ખાલી બાટલા નંગઃ-03, પ્લાસ્ટીકની ખાલી બોટલના બોક્ષ નંગ-15 (કુલ બોટલ નંગ 1050), પ્લાસ્ટીકની બોટલના ઢાંકણા મળી કુલ કિ.રૂ.71,580નો મુદ્દામાલ મળી આવતા બરામત કરી અરવિંદ નરશીભાઈ ડાભી (ઉ.વ.40, રહે ફાસરા ગામ તા.પાલીતાણા)ની ધરપકડ કરી લીધી હતી. જ્યારે શખસની પુછપરછ દરમીયાન મયુર મોહનભાઈ વાળા, જોધા હિરાભાઈ મકવાણા, ધીરૂ શામજીભાઈ ગોહિલ (રહે. ત્રણેય. ફાસરા ગામ તા.પાલીતાણા)ના નામ ખુલવા પામ્યા હતા. બનાવ સંદ્રભે ક્રાઈમ બ્રાંચે ચારેય આરોપી સામે પાલીતાણા રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દાખલ કરાવી આગળની તજવીજ હાથ ધરી હતી.
