ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં આવેલા મોગલમાં માતાના મંદિર પાસે ગત મોડી રાત્રે પાર્ક કરેલી બે કારમાં કોઈ કારણસર આગ લાગી હતી. બનાવની જાણ ફાયર વિભાગને થતાં ફાયર ફઇટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો છંટકાવ કરી બંને કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. જોકે, બંને કારમાં આગ કયા કારણસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.
જાણવા મળતી વિગતો મુજબ, ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં આવેલા વીઆઈપીમાં મોગલ માતાના મંદિર પાસે ડેલા નંબર 220ની સામે ગત મોડી રાત્રે પાર્ક કરેલી બે બંધ કારમાં કોઈ કારણસર એકાએક આગ ભભુકી ઉઠી હતી. આ અંગે સ્થાનિક અસરફ્ભાઈએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ટીમે સ્થળ પર પહોંચીને દસ હજાર લીટર પાણીનો છંટકાવ કરી બંને કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. ફાયર સ્ટાફે સ્થળ પર તપાસ કરતા આગની ઝપેટમાં આવેલી એક કાર રહેમાનભાઈની માલિકીની ઇનોવા અને બીજી આઈ-10 કાર હોવાનું જાણવા મળ્યું હતું. આગને પગલે બંને કારને નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. જોકે, પાર્ક કરેલી બંને કારમાં આગ કયા કારણસર લાગી હતી તે અંગે ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું.
