ભાદરવા સુદ એકાદશી એટલે કે જળ જિલણીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પરિવર્તીની એકાદશી પણ કહેવાય છે. કારણ કે ક્ષિર સાગરમા પોઢેલા ભગવાન આ દિવસે પડખું ફેરવે છે. આ દિવસે ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાયમાં ભગવાનને નૌકા વિહાર કરાવવામાં આવે છે. અને તળાવ, હોદ કે પછી સહત્રધારા વડે ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. આત્માના શુદ્ધિકરણના આ દિવસે સંતો ભક્તો નિર્જળા ઉપવાસ કરીને ભગવાનને પ્રસન્ન કરવાનો ઉત્સવ મનાવે છે. આ શુભ ઉત્સવ પર્વે ભાવનગરના અક્ષરવાડી સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ગૂલીસ્તા ગ્રાઉન્ડ ખાતેથી સાંજે પાંચ વાગ્યે ભગવાન સ્વામિનારાયણ અને ગણપતિજીની ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સાંજે 6 થી 8 દરમ્યાન અક્ષરવાડી ખાતે પાણીથી ભરેલ વિશાળ હોદમાં સુંદર નૌકામાં અક્ષરપુરુષોત્તમ મહારાજની જળ વિહાર કરાવવામાં આવ્યો હતો.
