ગુજરાતના સાંસ્કૃતિક નગર ભાવનગરના જાણીતા ચિત્રકાર શ્રીમતી નિરૂપમા ટાંકની પસંદગી ઉદયપુર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત
બોન્ડ ટુ બિયોન્ડ' આર્ટિસ્ટ રેસીડેન્સી કેમ્પ અને કલા પ્રદર્શન માટે થતાં સમગ્ર કલાજગત તેમજ ભાવનગરનું ગૌરવ વધ્યું છે. આ વિશેષ આર્ટ રેસિડેન્સી કેમ્પ અને પ્રદર્શનનું ભવ્ય આયોજન ઇન્સ્પિરિટ આર્ટ ગેલેરી, ઉદયપુર દ્વારા કરવામાં આવ્યું હતું.
વારસો, સંસ્કૃતિ અને સમકાલીન કલા અભિવ્યક્તિને જોડવાના અનોખા હેતુ સાથે તા. 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન આ ત્રિ-દિવસીય રેસિડેન્સી કેમ્પનું આયોજન થયું હતું. ત્યારબાદ રવિવારે કલા વીથી આર્ટ ગેલેરી (બાગોર કી હવેલી,WZCC, ઉદયપુર) ખાતે કલા પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું.
આ કેમ્પમાં દેશભરમાંથી પસંદગી પામેલા માત્ર 13 પ્રતિભાશાળી કલાકારોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતમાંથી નિરૂપમા ટાંકે પ્રતિનિધિત્વ કર્યું હતું. કલાકારોએ ઉદયપુરના ઐતિહાસિક સ્થાપત્ય, તળાવો, કુદરતી વાતાવરણ અને લોકજીવનમાંથી પ્રેરણા મેળવીને અદભુત ચિત્રો અને કલાકૃતિઓ કેનવાસ પર કંડારી હતી.
પ્રદર્શનનું ઉઘ્દાટન વરિષ્ઠ ચિત્રકારો અને કલા પ્રમોટરો ડૉ. હેમંત દ્વિવેદી, લલિત શર્મા, રઘુનાથ શર્મા તથા બસંત કશ્યપ દ્વારા દીપ પ્રાગટય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવનગરના ચિત્રકાર નિરૂપમા ટાંક સહિત ભાગ લેનાર તમામ કલાકારોને તેમના વિશિષ્ટ સર્જનાત્મક યોગદાન બદલ સ્મૃતિચિહન અને પ્રમાણપત્ર એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ઇન્ડિયન ઓક્શન હાઉસના સ્થાપક પ્રમોદ ફ્ંડ, સહિત દેશભરના નામી કલાકારો, ઉપસ્થિત રહીને પ્રશંસા કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો