ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા સામતેર ગામના બાયપાસ પાસે રાવલ નદી પરનો પુલ હાલ અત્યંત બિસ્માર અને ભયાનક હાલતમાં ફેરવાઈ ગયો છે. 10 દિવસથી આ પુલનો એક ભાગ ભયાનક રીતે હલબલવા (ધ્રૂજવા) લાગ્યો છે અને રોડ પર ઊંડી અને મોટી તિરાડ પડી ગઈ છે. તાજેતરમાં જ થયેલા રીપેરિંગ બાદ ફરી પુલની સ્થિતિ દયનીય બની છે. સોમનાથ અને દીવ જેવા પ્રખ્યાત પ્રવાસન સ્થળોને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી અહીં ચોવીસ કલાક ભારે વાહનોની અવરજવર રહે છે. જ્યારે પણ કોઈ મોટું વાહન અહીંથી પસાર થાય છે ત્યારે આખો પુલ ધ્રૂજી ઊઠે છે, જેના કારણે વાહનચાલકોમાં ભારે ફાળ પડી છે. રોડ પરની તિરાડને કારણે બાઈક અને કાર જેવા નાના વાહનોને પણ જોરદાર થડકા લાગે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ તિરાડ ન દેખાવાને કારણે મોટો અકસ્માત થવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.
