ભાવનગર જિલ્લામાં ડુંગળીના પાકની સ્થિતિ સારી હોવા છતાં આ વર્ષે અગાઉના વર્ષોની સરખામણીએ ડુંગળીનું વાવેતર ઓછું થયું છે. તેમ છતા ભાવનગર માર્કેટ યાર્ડમા નવી ડુંગળીની આવક શરૂ થતા સારા ભાવ મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ડુંગળીનું વાવેતર ઘટતાં ભાવનગરના ખેડૂતોને લોટરી લાગી હોય તેવો ઘાટ ઘડાયો છે. ભાવનગર માર્કેટ યાર્ડના સુત્રો મુજબ આજે માર્કેટયાર્ડમા 4373 ગુણી ડુંગળીની આવક થઈ હતી. જેનો નીચો 20 કિલોનો ભાવ રૂ. 171 અને ઉંચો ભાવ રૂ. 856 બોલાયો હતો. એટલે આમ જોઈએ તો ચાલુ વર્ષે ખેડૂતોને સારી ડુંગળીના ઉંચા ભાવ મળતા ખુશીનો માહોલ છવાયો છે. હજુ ખેડૂતોને એક ગુણીના ભાવ 1200 સુધી મળવાની આશા છે. 

ભાવનગર માર્કેટયાર્ડમા નવી ડુંગળીની આવક શરૂ થતાની સાથે સારી ડુંગળીના 20 કિલોના ઉંચા ભાવ રૂ. 500 થી 800 સુધીના બોલાઈ રહ્યા છે. ભાવનગર જિલ્લામાં અંદાજે 20 થી 25 હજાર હેક્ટર વિસ્તારમાં ડુંગળીનુ વાવેતર થાય છે. અને મુખ્યત્વે લાલ ડુંગળીનું ઉત્પાદન થાય છે. તળાજા, મહુવા, ઘોઘા પંથક ડુંગળીના વાવેતર માટે જાણીતા છે. નવેમ્બરથી માર્ચ મહિના સુધી ડુંગળીની આવક જોવા મળે છે. આ વર્ષે મહારાષ્ટના કેટલાક જિલ્લામાં દુષ્કાળની સ્થિતિને લીધે ડુંગળીના વાવેતર પર અસર પડી છે.