ભાવનગરના કુંભારવાડા વિસ્તારની અમર સોસાયટીમાં ફ્ટાકડા ફોડવાના પ્રશ્ને બોલાચાલી થતાં આજ વિસ્તારમાં રહેતા શખસે આધેડ પર તલવારથી હુમલો કરી માથાના ભાગે લોહીયાણ ઈજા પહોંચાડી હતી. ઘટના બાદ ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે સર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉક્ત મામલે બોરતળાવ પોલીસ મથકમાં શખ્સ સામે ફરિયાદ નોંધાવા પામી છે. જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા અમર સોસાયટીના પ્લોટ નંબર 110 એ-2 માં રહેતા બુધાભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા (ઉ.વ 45) એ બોરતળાવ પોલીસ મથકમાં ચિરાગ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં તેમના દીકરાનો દીકરો ઘર પાસે ફ્ટાકડા ફોડી રહ્યો હતો, જેનો તીખારો સામે રહેતા ચિરાગ વાઘેલાના ઘર પાસે જતા ચિરાગ તેમના ઘરે પાસે આવીને અપશબ્દો બોલવા લાગતા તેઓએ અમે હાથે કરી ત્યાં ફ્ટાકડો નથી ફોડયો તેમ કહેતા ચિરાગ વધુ ઉશ્કેરાઈને તેઓની ઉપર તલવાર વડે હુમલો કરી માથાના ભાગે લોહીયાણ ઈજા પહોંચાડી હતી. ઘટના બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેઓને સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
