બરવાળાના ધંધુકા રોડ પર આવેલા ભીમનાથ ગામે આવેલી એક મઢીમાં બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના સ્ટાફે ઓપરેશન હાથ ધરી મઢીમાંથી સુકો ગાંજો જ્યારે મઢી પાછળ વાવેતર કરાયેલા લીલો ગાંજો ઝડપી પાડી રૂા. 1.57 લાખના ગાંજા સાથે મઢીના મહંતની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ તળે ગુનો દાખલ કરાવ્યો હતો.
બોટાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને જાણ કરવામાં આવી હતી કે, ભીમનાથ ગામે મહાદેવ મઢીના જોગગીરી બાપુ ઉર્ફે પાલકદાસબાપુ ગુરુ વીરગીરીબાપુએ તેના કબજા ભોગવટાની મઢીની જગ્યામાં લીલા ગાંજાનું વાવેતર કરી સુકાયા બાદ તેમાંથી સુકા ગાંજાની પડીકીઓ બનાવી નશાના બંધાણીઓને વેચાણ કરે છે. સરકારી પંચોને સાથે રાખી મહાદેવ મઢીમાં તપાસ હાથ ધરતા મઢીમાંથી ગેરકાયદે પાસ પરમીટ વિનાનો લીલા પાંદડાઓ સાથે સુકવણી કરી રખાયેલો સુકો ગાંજો વજન 3.60 કિ.ગ્રામ (કિં.રૂા.1.53 લાખ) તેમજ મઢીની પાછળના ભાગેથી લીલા ગાંજાનુ વાવેતર મળી આવતા 10 છોડ બરામત કર્યા હતા. જેનું વજન 97 ગ્રામ (કિ.રૂા. 4850) મળી કુલ સુકો-લીલો ગાંજો (કિં.રૂા.1,57,800)નો મુદામાલ બરામત કર્યો હતો.










