ભાવનગરના શામપરા ગામની સીમમાં કંપનીના કામકાજને લઈ વેપારી પાસે બે શખસે રૂા.20 લાખની ખંડણી માંગી ધાક ધમકી આપતા વેપારી પોલીસ મથક પહોંચ્યા હતા જ્યા જિ.પ.ના પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિત ત્રણ શખસ પહોંચી વેપારીને ધમકાવતા પોલીસે બે શખસની ધરપકડ કરી લઈ જુદા જુદા બે ગુના દાખલ કર્યા હતા. જિ.પ.ના પૂર્વ વિરોધ પક્ષના નેતા સામે કાર્યવાહી થતા કોગ્રેસના કાર્યકરો વરતેજ પોલીસ મથક દોડી ગયા હતા અને ધરણા-સુત્રોચ્ચાર કર્યા બાદ ગૃહ મંત્રી, કૃષી મંત્રીના પુતળા દહન કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના રૂપાણી સર્કલ આદર્શ ટેનામેન્ટમાં મકાન નંબર 9માં રહેતા અને શામપરા (ખો) ગામની સીમમાં કાસ્ટોરા ફોર્મ ટેક નામની કંપની ચલાવતા વેપારી ઋત્વિકભાઈ ગિરીશભાઈ પટેલે વરતેજ પોલીસ મથકમાં મેણસુર ગોવિંદભાઈ ડાંગર અને શાર્દુલ હકુભાઈ કુવાડીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સવારના 11 વાગ્યાના સુમારે બન્ને શખસ તેમની કંપનીના ગેટ પાસે આવીને અપશબ્દો બોલતા હતા અને કંપની બહાર રોડ સરખો કરવા લાવેલા જેસીબી મશીનને કામ કરતા અટકાવ્યું હતું. જેથી તેઓ આ અંગે વાત કરવા જતા બન્ને શખસે અમારી મંજૂરી વગર કામ કેમ કરો છો તેમ કહી ઝપાઝપી કરી હતી. અગાઉ 10,000 રૂપિયા રોકડા આપ્યા હોવા છતાં બન્ને શખસે તેમની પાસે વધુ 20 લાખ રૂપિયાની ખંડણી માંગી જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખીશું અને કંપનીનું કામકાજ બંધ કરાવી દેશું તેવી ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે પોલીસે બન્ને શખસ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 308(5), 115(2), 352, 351 (3), 54 હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. જ્યારે વેપારી ઋત્વિકભાઈ ગિરીશભાઈ પટેલ વરતેજ પોલીસ મથકમાં ફરીયાદ કરવા પહોંચ્યા તે વેળાએ પાછળથી તાલુકા પંચાયતના સદસ્ય હીતેષ મેણસુરભાઈ ડાંગર, જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધપક્ષના નેતા બળદેવ માવજીભાઈ સોલંકી અને જીતુભા મોરી ઉર્ફે જાડેજા (રહે.વરતેજ ગામ તા.જી.ભાવનગર) કાવતરૂ રચી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે આવી તેમની સાથે બોલાચાલી કરી તેમની વિરૂધ્ધ છેડતીની ખોટી ફરીયાદ લખાવીશુ તેમ કહી આ ત્રણેય જણા અભદ્ર ભાષા બોલી તેમજ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ વેપારી ઋત્વિકભાઈ ગિરીશભાઈ પટેલે હિતેષ મેણસુરભાઈ ડાંગર, જિં.પં.ના વિરોધ પક્ષના પૂર્વ નેતા બળદેવ સોલંકી અને જિતુભા મોરી સામે ફરીયાદ આપતા પોલીસે બીએનએસ એક્ટ 61(2), 352,351(3), 296(b), 54 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના પૂર્વ નેતા બળદેવ સોલંકી તેમજ કરદેજ બેઠકના તાલુકા પંચાયતના સભ્ય હિતેશભાઈ ડાંગર સામે અટકાયતી કાર્યવાહી કરી હતી. આ ઘટનાને પગલે મોડી રાત્રીના કોંગ્રેસના શહેર પ્રમુખ મનહરસિંહ ગોહિલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ સહિત કોંગ્રેસી કાર્યકરો તેમજ ક્ષત્રિય, કોળી અને આહિર સમાજના આગેવાનો વરતેજ પોલીસ મથકે પહોંચ્યા હતા. દરમિયાન આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વરતેજ પોલીસ મથકની બહાર વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહન કર્યું હતું અને વરતેજ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ 'હાય હાય'ના નારા લગાવ્યા હતા. મોટી સંખ્યામાં એકત્ર થયેલા કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનોએ પોલીસ મથકના પરિસરમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી ગૃહમંત્રી તેમજ કૃષિ મંત્રી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ઉક્ત બનાવને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી.
