ભાવનગરના ઉખરલા ગામથી માળનાથ જવાના માર્ગ પર વહેલી સવારે ઝાડી-ઝાંખરામાંથી યુવાનનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહ નજીક બાઈક પણ મળી આવ્યું હતું. બનાવની જાણ થતાં વરતેજ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવાનનું મોત અકસ્માતે થયું છે કે અન્ય કોઈ કારણસર તે અંગે તપાસ હાથ ધરી છે.જ્યારે મૃતક યુવાનના ભાઈએ હત્યા થયાની આશંકા વ્યક્ત કરી પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ કરી છે. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના ઉખરલા ગામથી માળનાથ જવાના માર્ગ પર આજે વહેલી સવારે રોડની સાઈડમાં આવેલી ઝાડી-ઝાંખરામાં એક યુવાનનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવતા વરતેજ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતકનો કબજો સંભાળી સર.ટી. હોસ્પિટલ ખસેડયો હતો. જ્યારે સ્થળ પરથી મૃતકનું બાઈક મળી આવતા પોલીસે કબજે લીધુ હતું. પોલીસ તપાસ દરમિયાન મૃતક મુન્નાભાઈ હિમતભાઈ ડાભી (ઉ.વ 29, રે. હાલ. ઘોઘારોડ, મુળ. ખડસલિયા ગામ) હોવાનું ખુલ્યુ હતું. યુવાનનું મોત કયા સંજોગોમાં થયું, તે અકસ્માત છે કે અન્ય કોઈ કારણસર મોત થયું છે. તે મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના અંગેની વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ અંગે મૃતક યુવાનના ભાઈ દિપકભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, તેમનો ભાઈ ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે પ્લમ્બિંગનું કામ કરતો હતો અને તેને છ વર્ષનું બાળક પણ છે. ગતરાત્રે તેમનો ભાઈ પૈસાની ઉઘરાણી બાબતે ઘરેથી બહાર ગયો હતો, જે દરમિયાન આ ઘટના બની હોવાનું પરિવારજનોનું માનવું છે. પ્રાથમિક રીતે આ બનાવ હત્યા હોવાની શંકા વ્યક્ત કરી દિપક ડાભીએ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી છે.
