ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રક ચાલકો વધુ બેફામ બન્યા છે. ભાવનગર અમદાવાદ હાઇવે ફરી એકવાર લોહીથી ખરડાયો છે. એક તરફ રાજ્ય સરકાર માર્ગ સલામતીના દાવા કરે છે, ત્યારે બીજી તરફ બેફામ દોડતા ભારે વાહનો માસૂમ લોકોનો ભોગ લઈ રહ્યા છે. તાજેતરમાં બનેલી આ ઘટનામાં એક સગર્ભા મહિલાનું કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સગર્ભા મહિલા ભોગ બની
મળતી માહિતી મુજબ ભોગ બનનાર મહિલા સગર્ભા હતી અને તે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના નિયમિત મેડિકલ ચેકઅપ માટે આવી હતી. હોસ્પિટલનું કામ પતાવીને તે પરત ઘરે જવા માટે નીકળી હતી. તે જગ્યા પર વાહનની રાહ જોતી વખતે ફૂટપાઠ પર બેઠી હતી.તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ફુટપાથ પર બેઠેલી મહિલાને જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળી હતી. આ ઘટનામાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ.
માનવતા નેવે મૂકી ડ્રાઈવર ફરાર
અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતુ. અકસ્માત સજર્યા બાદ ટ્રાક ચાલકે ઉભા રહીને મહિલાને મદદ કરવાને બદલે માનવતા નેવે મૂકી તે ટ્રક ઘટના સ્થળે જ મૂકી ને ફરાર થઇ ગયો હતો. 'હિટ એન્ડ રન'ની આ ઘટનાઓ ડ્રાઈવરોની બેદરકારી અને બેફામ ડ્રાઇવિંગને છતું કરે છે.
પોલીસે ફરાર ટ્રક ડ્રાઇવરની શોધખોળ શરૂ કરી
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં માત્ર એક મહિલાનો જીવ ગયો નથી પરંતુ તેના ગર્ભમાં ઉછરી રહેલા માસૂમનો પણ જીવ ગયો છે.
આ પણ વાંચોઃ Panchmahal News : વર્ષ 2026ના પહેલા દિવસે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીનો કરાર આધારીત કોમ્પુયટર ઓપરેટર રૂ.2 હજારની લાંચ લેતા ઝડપાયો