શહેરમાં સાર્વજનિક પરિવહન સેવાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી મનપાના મેયર ભરત બારડ આજે એક્શન મોડમાં જોવા મળ્યા હતા. માત્ર બે દિવસ પહેલાં જ શરૂ કરવામાં આવેલી સીટી બસ સેવાની ગુણવત્તા અને વ્યવસ્થા ચકાસવા માટે મેયરે કોઈ પણ પૂર્વ સૂચના વગર બસની સરપ્રાઈઝ વિઝીટ હાથ ધરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સામાન્ય નાગરિકની જેમ બસમાં સવારી કરી ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવ્યો હતો. બસમાં મુસાફરી કરી રહેલા નાગરિકો મેયરને પોતાની વચ્ચે જોઈ આશ્ચર્યચકિત થયા હતા.
મેયર દ્વારા સરપ્રાઈઝ વિઝીટ હાથ ધરવામાં આવી
મેયર ભરત બારડે મુસાફરોની પાસે બેસીને બસની સુવિધાઓ, સમયપાલન અને મુસાફરી દરમિયાન પડતી મુશ્કેલીઓ વિશે વિગતવાર વાતચીત કરી હતી. તેમણે ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધો પાસેથી બસ સેવા અંગેના પ્રતિભાવો મેળવ્યા હતા. આ સીધા સંવાદ દરમિયાન જાગૃત મુસાફરોએ મેયર સમક્ષ કેટલીક વ્યાજબી માંગણીઓ અને રજૂઆતો પણ કરી હતી: મુસાફરોએ માંગ કરી હતી કે શહેરમાં જે રૂટ હાલ બંધ છે, તેને પણ સત્વરે કાર્યરત કરવામાં આવે જેથી વધુ લોકોને લાભ મળે.
