બગદાણાના નવનીત બાલધીયાને ઢોર માર મારવાના બહુચર્ચિત કેસમાં હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આજે નવનીત બાલધીયાને વિશેષ નિવેદન નોંધાવવા માટે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે તેડું મોકલવામાં આવ્યું હતું. SITની ટીમે નવનીત બાલધીયાની સતત ત્રણ કલાક સુધી ઝીણવટભરી પૂછપરછ કરી હતી. આ દરમિયાન ઘટનાક્રમ અને સંકળાયેલા વ્યક્તિઓ અંગે વિગતવાર નિવેદન લેવામાં આવ્યું હતું.
મેં જયરાજ આહિર વિરુદ્ધ પુરાવા આપ્યાઃ બાલધીયા
પૂછપરછ બાદ મીડિયા સાથેની વાતચીતમાં બાલધીયાએ જણાવ્યું હતું કે, તેણે મુખ્ય આરોપી જયરાજ આહિર વિરુદ્ધ મજબૂત પુરાવાઓ રજૂ કર્યા છે. નવનીત બાલધીયાએ દાવો કર્યો છે કે તેણે SITને આ કેસ સાથે જોડાયેલા અંદાજે 15 જેટલા મહત્વના પુરાવાઓ સોંપ્યા છે. તેણે વધુમાં ઉમેર્યું કે, "મને SITની કામગીરી પર સંપૂર્ણ ભરોસો છે. ટીમ યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે અને મને વિશ્વાસ છે કે આ મામલે ચોક્કસ ન્યાય મળશે."













