સિહોર શહેરમાં તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ એક પછી એક દુકાન કે પછી રહેણાંકી સોસાયટીઓમાં મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે. સિહોરની એક રહેણાંકી સોસાયટી માં ગત રાત્રે એકી સાથે ત્રણ મકાનના તાળા તોડી ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયાનો બનાવ બનતા નગરજનોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે સિહોરમાં જાણે તસ્કરો ને પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ તરખાટ મચાવી રહ્યા છે.ત્યારે હવે સિહોર પોલીસ સક્રિય બની તસ્કરો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. આ બનાવ બનતા સિહોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ ડોગ સ્કોડ ની ટીમ પણ આવી હતી અને તપાસ હાથ ધરેલ હતી. 

સિહોર શહેરમાં આવેલ જગદીશશ્વરાનંદ સોસાયટીમાં ભાડુઆત તરીકે રહેતા અને અમરગઢ એસબીઆઈ બેંકમાં નોકરી કરતા રિતેશકુમાર બ્રજેદ્દ કુમાર પાંડે ( ઉ.વ.32, મુળ રહે. બિહાર) તેઓનાં મિત્રનો જન્મ દિવસ હોય જેથી કરીને તેઓ મિત્રના ઘરે જમવા ગયા હતા અને ગત રાત્રે બે વાગ્યા આસપાસ તેઓ ઘરે આવતા ગેટની અંદર પ્રવેશ કરતા એક અજાણ્યો ઈસમ ઘરમાંથી લપાતો છુપાતો નીકળી બાજુના મકાનની ઘર તરફ્ની દિવાલ કુદી ભાગવા જતા તેઓએ તેને પકડી લીધો હતો અને ત્યારબાદ ત્રણ અજાણ્યા ઈસમો મકાનના ઉપરના માળેથી નીચે આવીને ભેગા મળીને તેઓને ઢીકાપાટુનો મારમારી બોથડ પદાર્થ વડે મારમારતા માથામાં થી લોહી નિકળવા લાગ્યું હતું અને ત્યારબાદ તેઓએ બુમાબુમ કરતા આ અજાણ્યા ઈસમો નાસી ગયા હતા અને ત્યારબાદ તેઓ ઘરમાં પ્રવેશ કરી જોયું તો તેઓનો માલસામાન વેર વિખેર હોય અને તિજોરીમાં થી સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ. 1,80,000 ની ચોરી થયાનું જાણવા મળ્યું હતું. મિત્રો અને પાડાશીઓ ભેગા થઈ ગયેલ અને માલુમ પડયું હતું તેઓનાં મકાન માલિક અને બાજુમાં રહેતા પાડોશી ને ત્યાં પણ ચોરી થયાનું માલુમ પડયું હતું. આ અંગે રિતેશ કુમાર પાંડેએ ચાર અજાણ્યા ઈસમો વિરૂદ્ધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.