શહેરના કુંભારવાડા વિસ્તારનાં મારૂતિનગરમાં બે દિવસ પૂર્વે ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા બે શખસે ઉશ્કેરાઈ દાદા, પૌત્રી અને એક પાડોશી મહિલા પર હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતા ત્રણેયને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જે મામલે બોરતળાવ પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોર બન્ને શખસને પોલીસે ઝઢપી પાડયા હતા.

જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા સર્કલ વિસ્તારમાં આવેલ મારૂતિનગર પ્લોટ નંબર 16 માં રહેતા રમેશભાઈ કાનજીભાઈ (ઉં.વ 66)એ બોરતળાવ પોલીસ મથકમાં ગૌરાંગ ભનુભાઈ ભીમાણી અને તેના મિત્ર નવીન ભરતભાઈ ગોહેલ સામે ફરિયાદ નોંધાવી હતી કે, બે દિવસ પૂર્વે રાત્રીના દસેક વાગ્યે ગૌરાંગ અને તેનો મિત્ર તેના ઘર પાસે અપશબ્દો બોલતા હોય જેથી બંને શખસોને ઘર પાસે અપશબ્દો ન બોલવા જણાવતા બન્નેએ ઉશ્કેરાઈ હુમલો કરી તેને, તેના ઘર બહાર બેસેલી પડોશી મહિલા હંસાબેન મોહનભાઈ માંડલિયા તથા તેની પૌત્રી રીંકલબેન જેસીંગભાઇને છરીના ઘા મારી ત્રણેયને ગંભીર ઈજા પહોંચાડ મારી નાંખવાની ધમકી આપી હતી. જે ફરિયાદ અનુસંધાને પોલીસે બન્ને બન્ને શખસ સામે બીએનએસ એક્ટ 115 (2), 118 (1), 118 (2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે મામલે બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી હુમલો કરનાર ગૌરાંગ ભનુભાઈ ભીમાણી અને નવીન ભરતભાઇ ગોહેલ (રહે. ઠક્કરબાપા સોસાયટી, ભાવનગર) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.