ભાવનગર ખાતે સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા)ના પ્રાદેશિક તાલીમ કેન્દ્રનો પ્રારંભ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જુનિયર ક્લાર્ક વર્ગ-3 સંવર્ગના કર્મચારીઓની પૂર્વ સેવા તાલીમના પ્રથમ વર્ગનો પણ પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેને જણાવ્યું હતું કે, ભાવનગરમાં સ્પીપા તાલીમ કેન્દ્ર શરૂ થવું સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત છે. આ કેન્દ્ર દ્વારા સરકારી અધિકારીઓ-કર્મચારીઓને તાલીમની સાથે યુવાનોને યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન અને યોગ્ય પ્લેટફોર્મ મળશે. ભાવનગર ઉપરાંત બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના યુવાનો પણ તેનો લાભ લઈ શકશે. કમિશનર મીનાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી સ્પીપા એટલે અમદાવાદ એવી ઓળખ હતી. ત્યારે ભાવનગર ખાતે પ્રાદેશિક તાલીમ કેન્દ્રની શરૂઆત સૌરાષ્ટ્રના યુવાનો માટે નવી તક સમાન છે.

કુલપતિ ડૉ. ભરતભાઈ રામાનુજે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સ્પીપાનું વધુ એક પ્રાદેશિક તાલીમ કેન્દ્ર શરૂ થવું સમયની જરૂરિયાત હતી. કર્મચારીઓની કાર્યક્ષમતા વધારી નાગરિકોને વધુ સરળ અને ગુણવત્તાસભર સેવાઓ મળે તે દિશામાં આ કેન્દ્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સ્પીપાના સંયુક્ત નિયામક એ.એસ. માંડોદ, અમદાવાદ સ્પીપાના ડેપ્યુટી ડાયરેક્ટર હાર્દિકભાઈ પ્રજાપતિ, એચ.કે. રાઠોડ, કોર્પોરેટર પરેશભાઈ ચૌહાણ, અધિકારીઓ, પ્રાધ્યાપકો, કોલેજના વિદ્યાર્થીઓ તથા તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.