રેલવે સ્ટેશન પર ઉતરતી વખતે કે ચડતી વખતે થતી ઉતાવળ ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે. આવી જ એક ઘટના ભાવનગરના સિહોર જંક્શન પર બની હતી, જ્યાં એક યુવતી ચાલુ ટ્રેનમાંથી ઉતરતી વખતે સંતુલન ગુમાવી બેઠી હતી. જોકે, ત્યાં હાજર રેલવે કર્મચારીની સમયસૂચકતાએ આજે એક પરિવારનો માળો વિખાતા બચાવી લીધો છે.
ભાવનગરમાં રેલકર્મીએ યુવતીનો જીવ બચાવ્યો
બોટાદ-ભાવનગર દૈનિક પેસેન્જર ટ્રેન જ્યારે સિહોર જંક્શન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક યુવતીએ ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેનની ગતિને કારણે યુવતી અચાનક સંતુલન ગુમાવી બેઠી અને પ્લેટફોર્મ તથા ટ્રેન વચ્ચેના ગેપમાં ખાબકવાની જ હતી. આ દ્રશ્ય જોઈને પ્લેટફોર્મ પર હાજર અન્ય મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા.
યુવતીએ ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો
સ્ટેશન પર તૈનાત પોઈન્ટ્સમેન (રેલવે કર્મચારી) એ જેવી આ યુવતીને પડતી જોઈ કે તરત જ પળનો પણ વિલંબ કર્યા વગર ચિત્તાની ઝડપે દોટ મૂકી હતી. યુવતી ટ્રેનના પૈડા નીચે આવી જાય તે પહેલાં જ પોઈન્ટ્સમેને તેને ખેંચી લીધી અને સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર લઈ આવ્યા. આ સમગ્ર હૃદયધબકાવનારી ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જો પોઈન્ટ્સમેને એક સેકન્ડનો પણ વિલંબ કર્યો હોત તો યુવતીનો જીવ બચાવવો મુશ્કેલ હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો રેલકર્મીની બહાદુરીના ભારોભાર વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Halvad: ચરાડવા ગામની સીમમાંથી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપાઈ, રૂ. 8.98 લાખનો મુદ્દામાલ જપ્ત